નવસારીના ગણેશ સિસોદ્રા મંદિરની અનોખી લોકકથા: વડમાં સ્વયંભૂ ગણેશ સ્વરૂપથી ‘બાધાના ગણેશ’ સુધી
નવસારી: નવસારી શહેરથી હાઇવે તરફ જતા સિસોદ્રા ગામમાં આવેલું પૌરાણિક ગણેશ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થા સાથે અનેક ઐતિહાસિક લોકકથાઓનું કેન્દ્ર રહ્યું છે. વિશાળ વડના વૃક્ષમાં ગણેશજીનું સ્વયંભૂ સ્વરૂપ પ્રગટ થયું હોવાની સ્થાનિક માન્યતા છે. ગ્રામજનોએ આ સ્વરૂપને પવિત્ર માની પૂજા-અર્ચના શરૂ કરી હતી. સમય જતાં અહીં મંદિરનું નિર્માણ થયું અને તેની બાજુમાં ભગવાન શિવનું મંદિર પણ બનાવવામાં આવ્યું.
‘બાધાના ગણેશ’ તરીકે ઓળખાય છે
ગણેશ સિસોદ્રાના ગણેશજીને ભક્તો ‘બાધાના ગણેશ’ તરીકે ઓળખે છે. લગ્ન, સંતાન સહિત વિવિધ મનોકામનાઓ માટે ભક્તો અહીં બાધા રાખતા હોવાની માન્યતા છે. મનોકામના પૂર્ણ થયા બાદ ભક્તો ફરી અહીં આવી ગણેશજીના દર્શન કરતા હોવાનું પૂજારી પરિવાર જણાવે છે. આસ્થા સાથે જોડાયેલા આ મંદિરના દર્શન માટે મુંબઈ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પણ ભક્તો પહોંચે છે.
ઔરંગઝેબની સેના સાથે જોડાયેલી લોકકથા ગણેશ સિસોદ્રા મંદિર સાથે મુઘલકાળની એક રસપ્રદ લોકકથા પણ જોડાયેલી છે. સ્થાનિક માન્યતા મુજબ આશરે ઈ.સ. 1662 પહેલાં ઔરંગઝેબની સેના મંદિરને નુકસાન પહોંચાડવા માટે સિસોદ્રા આવી હતી. લોકવાયકા મુજબ સૈનિકો મંદિર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે વિશાળ વડના વૃક્ષમાંથી મોટી સંખ્યામાં ઝેરી ભમરાઓ નીકળ્યા હતા ભમરાઓએ સૈનિકો પર હુમલો કરતાં તેઓ પરેશાન થઈ ગયા અને મંદિરને નુકસાન કર્યા વિના પરત ફર્યા હોવાની માન્યતા છે.ઔરંગઝેબે 20 વીઘા જમીન આપી હોવાનો દાવોસ્થાનિક કથા મુજબ સૈનિકોએ સમગ્ર ઘટનાની જાણ ઔરંગઝેબને કરી હતી. ત્યારબાદ ઔરંગઝેબ પોતે પણ મંદિરના દર્શને આવ્યો હતો અને મંદિરની પવિત્રતાથી પ્રભાવિત થઈ મંદિરના નિભાવ માટે 20 વીઘા જમીન ભૂમિદાનમાં આપી હોવાનો દાવો કરવામાં આવે છે.પૂજારી પરિવારના જણાવ્યા મુજબ આ ભૂમિદાન સાથે સંબંધિત ફારસી ભાષામાં લખાયેલા દસ્તાવેજો આજે પણ પરિવાર પાસે સચવાયેલા છે.
‘ગણેશ સિસોદ્રા’ નામ સાથે જોડાયેલી માન્યતા
વડમાંથી ભમરાઓ નીકળવાની અને ઔરંગઝેબની સેના મંદિરને નુકસાન કર્યા વિના પરત ફરી હોવાની કથા સિસોદ્રા ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રસરી હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. સમય જતાં મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા વધતી ગઈ અને સિસોદ્રા સાથે ગણેશ નામ જોડાતાં આ વિસ્તાર ‘ગણેશ સિસોદ્રા’ તરીકે ઓળખાવા લાગ્યો હોવાની પણ લોકમાન્યતા છે.550 વર્ષથી વધુ સમયથી પૂજા-અર્ચના
પૂજારી પરિવારના જણાવ્યા મુજબ ગણેશ સિસોદ્રા ખાતે 550 વર્ષથી વધુ સમયથી પૂજા-અર્ચના થતી આવી છે. અહીં બાપા પાસે રાખવામાં આવેલી બાધાઓ પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા આજે પણ ભક્તોમાં જોવા મળે છે.
હાલ ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો હોવાથી નવસારી સહિત સમગ્ર ગુજરાતના ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ગણેશ સિસોદ્રાના પૌરાણિક મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે.
વડમાં સ્વયંભૂ ગણેશ સ્વરૂપ પ્રગટ થવાની માન્યતા, ‘બાધાના ગણેશ’ તરીકેની ઓળખ અને મુઘલકાળ સાથે જોડાયેલી લોકકથાઓને કારણે ગણેશ સિસોદ્રા મંદિર નવસારી ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે.










