નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકતધારકોને અપીલ કરવામાં આવે છે કે પોતાની મિલકતને લગતા બાકી વેરાની ચુકવણી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ફરજિયાતપણે કરી દેવામાં આવે. શહેરના રહેણાક તથા કોમર્શિયલ મિલકતધારકો સહિત જેમનો મિલકત વેરો, વાહન વેરો અથવા અન્ય કોઈપણ પ્રકારનો વેરો બાકી હોય, તેઓએ સમયમર્યાદામાં વેરાની ભરપાઈ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવી. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વારંવાર વેરાની ચુકવણી કરવા અપીલ કરવામાં આવે છે, જેથી નાગરિક સુવિધાઓ, માળખાકીય વિકાસકાર્યો, સ્વચ્છતા, પાણી પુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા સહિતની આવશ્યક સેવાઓનું અસરકારક સંચાલન જાળવી શકાય.
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં બાકી વેરાની ચુકવણી નહીં કરનાર કરદાતાઓએ તા. ૧ નવેમ્બર, ૨૦૨૬થી લાગુ પડતી જોગવાઈઓ મુજબ બાકી વેરા પર ૧૮% પેનલ્ટી ચૂકવવાની રહેશે.** તેથી કરદાતાઓએ છેલ્લી ઘડી સુધી રાહ જોયા વિના પોતાના બાકી વેરાની વિગતો મેળવી સમયસર ચુકવણી કરવી. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પેનલ્ટી લાગુ થવાથી કરદાતાઓ પર વધારાનું આર્થિક ભારણ આવી શકે છે. આથી રહેણાક મિલકતધારકો, વેપારીઓ, દુકાનદારો તથા અન્ય વેરા બાકીદારોને આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહેલી તકે વેરાની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવે છે.
સાથે પાછલી બાકી મિલકત ધારકોને પણ ખાસ સૂચિત કરવામાં આવે છે કે, નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ જો વેરા નહીં ભરવામાં આવે તો વેરા બાકીદારોના ડ્રેનેજ લાઇન, પાણી લાઇન કનેક્શન પર કાપ મૂકવામાં આવશે
નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે શહેરના જવાબદાર નાગરિક તરીકે પોતાની વેરા સંબંધિત જવાબદારી સમયસર પૂર્ણ કરે અને તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ની અંતિમ સમયમર્યાદા પહેલાં જ બાકી વેરાની ચુકવણી કરી ૧૮% પેનલ્ટીથી બચવા જરૂરી પગલાં ભરે. વેરાની ચુકવણી માટે નાગરિકોએ મહાનગરપાલિકાના સંબંધિત વેરા વિભાગનો સંપર્ક કરી બાકી રકમની વિગતો મેળવી શકે છે તથા ઉપલબ્ધ ચુકવણી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. સમયસર વેરાની વસૂલાતથી શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવામાં સહયોગ મળશે. વેરો ભરો, ૧૮% પેનલ્ટીથી બચો અને શહેરના વિકાસમાં સહભાગી બનો.









