નવસારી જિલ્લામાં સ્કૂલ વાહનો અને બસોનું ચેકિંગ: પોલીસ અને RTO તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં નિયમભંગ કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવીઃ
રૂા.૮૩૦૦૦ની દંડનીય કાર્યવાહી કરવામાં આવીઃ
નવસારી: શનિવારઃ- નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની સપ્ટેમ્બર માસની બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચુકાદા અંગે જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોની હેરફેર કરતા વાહનોનું નિયમાનુસાર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસ તંત્ર તથા આરટીઓ તંત્ર દ્વારા સંયુક્ત રીતે જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોના હેરફેર હેતુ વપરાશમાં લેવાતા વાહનો તથા સ્કૂલ બસની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ ૦૮ (આઠ) વાહનોમાં નિયમાનુસાર ક્ષતિ જણાતા તેવા વાહનોને ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેના કુલ દંડની રકમ રૂ. ૮,૩૦૦૦ છે તેમજ ૦૧ (એક) વાહન ડિટેઈન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા RTO વિભાગ દ્વારા આ પ્રકારની ચેકિંગ કામગીરી જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોની સુરક્ષા માટે આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ નવસારીના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.










