નવસારી, શનિવાર:- નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થાય અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા જિલ્લા હાઈવે સેફ્ટી કાઉન્સિલ’ની બેઠકો યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ નવસારી જિલ્લામાં બ્લેક સ્પોટના નિવારણ માટેના જરૂરી સૂચનો કર્યા હતા; જેમાં ખાસ કરીને નેશનલ હાઇવે-૪૮ તથા ૫૬ પર સ્ટ્રીટલાઈટ મૂકવા, હેઝાર્ડ બોર્ડ, ક્રેશ બેરિયર, બ્રિજ પર હાઈમાસ્ટ સહિતની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી આકાશ પટેલે જણાવ્યું કે, શાળાઓમાં બાળકોની અવરજવર કરતી નાની-મોટી ૧૫૦ જેટલી બસોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બાકી રહેતી બસો તથા વાનોનું પણ ચેકિંગ કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૫ તથા માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બીલીમોરા નગરપાલિકા દ્વારા બે તથા ગણદેવી નગરપાલિકા દ્વારા એક દબાણ દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, તા.૧ થી તા. ૧૩મી ઓક્ટોબર દરમિયાન પોલીસ વિભાગ દ્વારા નેશનલ હાઇવે-૪૮ પર લેનભંગ, ઓવરસ્પીડ, નો-પાર્કિંગ, સીટ બેલ્ટ સહિત અન્ય ગુનાઓમાં ૧૩૨૩ કેસો કરવામાં આવ્યા છે, જ્યારે સ્ટેટ હાઈવે-૬ પર ૪૧૪ જેટલા કેસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.
બેઠકમાં નવસારી મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એન. લિખિયા, આર.ટી.ઓ. અધિકારીશ્રી આકાશ પટેલ, માર્ગ અને મકાન, હાઈવે તથા માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









