નવસારી: શનિવારઃ- નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારો દરમિયાન જુદા-જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના અને વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ ધાર્મિક પ્રસંગોએ દેવી/દેવતાઓની મૂર્તિઓને દરિયા, નદી, તળાવના પાણીમાં તથા પર્યાવરણની સુરક્ષા અર્થે નવસારી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એન. લિખિયાએ એક જાહેરનામા દ્વારા સમગ્ર નવસારી જિલ્લામાં અમુક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર પી.ઓ.પી.ની મૂર્તિઓનું કુદરતી નદીઓ, તળાવમાં વિસર્જન કરવા પર તથા તેના કિનારા પર પૂજન વિધિ કરવા પર પ્રતિબંધ રહેશે. મૂર્તિઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનીઓ રાખવા નહી. મૂર્તિઓની બનાવટમાં ઝેરી સિન્થેટિક, રસાયણ/કેમિકલ ડાયયુક્ત કલરના ઉપયોગ કરવો નહી. મૂર્તિની ઊંચાઈ ૧૨-ફૂટથી વધારે રાખવી નહી. મૂર્તિ બનાવટના સ્થળની આસપાસ ગંદકી કરવી નહી. મૂર્તિકારો દ્વારા ખંડિત થયેલ મૂર્તિઓ તેમજ વેચાણ ન થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લા બહારથી મૂર્તઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ નિમયો લાગુ પડશે. મૂર્તિ વિસર્જન થયા બાદ તમામ પંડાલ/મંડપ બે દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા નહી.
આ જાહેરનામું તા.૩૦/૮/૨૦૨૬ થી તા.૨૮/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.










