નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ તથા વોર્ડ ક્રમાંક ૧૩ના વિવિધ વિસ્તારોની મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી.
મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા તથા સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર આજ રોજ નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.

વિઝિટમાં મુખ્યત્વે ઇટાળવા ખાતે GUDC દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીના નિરીક્ષણથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇટાળવા તળાવ ખાતે ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે વિગતો મેળવવામાં આવી હતી. તળાવ તથા સંલગ્ન વિકાસકામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સી તથા કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારબાદ ચોવીસી આહિરવાસ, ધારાનગર ખાતે સ્થાનિક નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈ ડ્રેનેજ તથા રસ્તા સંબંધિત પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ભાણા પેટ્રોલ પંપ પાસે, શનિદેવ મંદિર નજીક સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે પણ સ્થળ મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સમગ્ર ફિલ્ડ વિઝિટ દરમિયાન નવસારી મહાનગરપાલિકાના નગર સેવકો તથા ડેપ્યુટી કમિશનરશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામોમાં જરૂરી સુધારા-વધારા કરી કામગીરી વેગવંતી, ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓ તથા સંબંધિત એજન્સીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.












