નવસારીના વિરાવલ વિસ્તાર અને નદી કિનારે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સામુહિક સફાઈ અભિયાન યોજાયુ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારીના વિરાવલ વિસ્તાર તેમજ નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં સામુહિક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં નવસારી પોલીસ વિભાગ અને નવસારી નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે ભાગ લઈ સરાહનીય સફાઈ કામગીરી કરી હતી

આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કમલેશ સોનવણેની અધ્યક્ષતા તથા વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ કાફલા, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સ્થાનિક ટીમોએ જોડાઈને મહોલ્લાઓ, શેરીઓ અને ખાસ કરીને નદી કિનારાના વિસ્તારમાંથી કચરો એકત્રિત કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને સુશોભિત બનાવ્યો હતો.
આ અભિયાન દરમિયાન ‘કચરામાંથી સર્જન’ અને ‘પ્લાસ્ટિકને કહો ના’ જેવા મહત્વપૂર્ણ સંદેશાઓ સાથે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાપડની થેલી જેવા પર્યાવરણમૈત્રી વિકલ્પો અપનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવી સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત નવસારીના નિર્માણમાં સૌને સહભાગી બનાવવાનો રહ્યો હતો.










