ગણદેવી તાલુકાના મેંધર ગામે સરકારી જમીન પરના મોટા પાયે અનધિકૃત તળાવોના દબાણો દૂર કરાયા
એક લાખ ચોરસ મીટર પરના સરકારી જમીન પરથી અનધિકૃત તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા


નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ગામ ખાતે સરકારી જમીન પર બનાવવામાં આવેલા અનધિકૃત તળાવોના દબાણો અંગે ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૨૮ દિવસથી દબાણો દુર કરવામાં આવી રહ્યા છે.
આ કામગીરી અંતર્ગત આજદિન સુધીમાં અંદાજે ૧ લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરથી અનધિકૃત તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. અનધિકૃત તળાવો દૂર થતાં કુદરતી પાણીના વહેણમાં રહેલા અવરોધો પણ દૂર થયા છે, જેના પરિણામે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ વધુ સુગમ બન્યો છે.


નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી તથા ગણદેવી મામલતદાર દ્વારા સંકલિત રીતે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સરકારી જમીનનું રક્ષણ તથા જાહેર હિતને પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સરકારી જમીન પર અનધિકૃત રીતે તળાવો બનાવી કરવામાં આવતા દબાણોને ચલાવી લેવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં પ્રવર્તમાન નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મેધર ગામના ગ્રામજનો દ્વારા વર્ષોથી કરવામાં આવતી રજૂઆતોના નિરાકરણરૂપે હાથ ધરાયેલી આ કામગીરીથી સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી છે.










