દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે નવસારી પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે નેશનલ હાઈવે નં. ૪૮ પર ખારેલ ઓવરબ્રિજ પાસે સફળ નાકાબંધી ગોઠવી બોલેરો પિકઅપ વાનમાંથી ₹૩.૮૦ લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વાહન અને મોબાઈલ સહિત કુલ ₹૧૦,૮૫,૬૪૦/- નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે સેલવાસ અને કીમના અન્ય સાગરીતો સહિત ૪ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરત રેન્જ આઈજીપી પ્રેમ વીર સિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ LCB પી.આઈ. વી. જે. જાડેજાના નેતૃત્વમાં ટીમ પ્રોહિબિશન પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન LCB સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ જયેશ બાબુજી અને અર્જુનકુમાર હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સેલવાસ તરફથી વિદેશી દારૂ ભરીને એક બોલેરો પિકઅપ અમદાવાદ તરફ જઈ રહી છે.
બાતમીના આધારે પોલીસે ગણદેવા ગામની સીમમાં, ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે નેશનલ હાઈવે નં. ૪૮ (મુંબઈથી અમદાવાદ ટ્રેક) પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની BOLERO MAXX PICKUP HD 1.7 LX (રજી. નં. MH-48-DC-1598) આવતાં તેને કોર્ડન કરી તલાશી લેવામાં આવી હતી.
વિદેશી દારૂ: વ્હીસ્કી, વોડકા તેમજ ટીન બિયર મળી કુલ ૧,૧૫૨ નંગ (કિંમત રૂ. ૩,૮૦,૬૪૦/-)
વાહન: બોલેરો મેક્સ પિકઅપ વાન (કિંમત રૂ. ૭,૦૦,૦૦૦/-)
મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)
કુલ કિંમત: રૂ. ૧૦,૮૫,૬૪૦/-
પકડાયેલ આરોપી:
૧. રમેશકુમાર બ્રિજરામ ઈશ્વરદીન પ્રજાપતિ (ઉં.વ. ૩૧, ધંધો-ડ્રાઈવિંગ, હાલ રહે. ઠક્કરબાપા કોલોની, ગણપતિ મંદિર પાસે, મુંબઈ; મૂળ રહે. ઓરીપુરવા ભટપી, જિ. ગોંડા, ઉત્તરપ્રદેશ)
વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ:
૧. ગણપત પ્રસાદ ગોસ્વામી (રહે. મુંબઈ/ગોંડા, યુ.પી.) – જેણે સેલવાસથી દારૂ ભરાવી કીમના બુટલેગર સાથે સંપર્ક કરાવ્યો હતો.
૨. સેલવાસનો અજાણ્યો શખ્સ – જેણે સેલવાસથી ગાડીમાં દારૂ ભરી બગવાડા ટોલનાકા પાસે મહાદેવ ઢાબા સુધી ગાડી પહોંચાડી હતી.
૩. રાજુ (રહે. કીમ) – જે કીમ એક્સપ્રેસ હાઈવે નીચે દારૂનો જથ્થો રિસીવ કરવાનો હતો / મંગાવનાર.
૪. બોલેરો ટેમ્પોના મૂળ માલિક તથા તપાસમાં ખુલનારા અન્ય આરોપીઓ.
આ સફળ કામગીરી LCB પી.આઈ. વી. જે. જાડેજા, પીએસઆઈ વાય. જી. ગઢવી, પીએસઆઈ એમ. બી. ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ જયેશ બાબુજી અને અર્જુનકુમાર હર્ષદભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.










