નવસારી, તા. ૬ સપ્ટેમ્બર: નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આજ રોજ સવારથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છતા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત લુંસિકુઈ વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ અને અન્ય સ્થળોએ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.યુ. વસાવાના નેતૃત્વ હેઠળ સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક ખાણી-પીણીની લારીઓ પાસે મોટા પ્રમાણમાં ગંદકી, પ્લાસ્ટિકનો જથ્થો તેમજ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ જોવા મળ્યો હતો.

પરિસ્થિતિને ગંભીરતાથી લઈ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. વસાવા દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર લારીઓને નોટિસ આપવા પણ સૂચના આપવામાં આવી છે. હાલ તે વિસ્તારમાં કુલ રૂ. ૫૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત જાહેર સ્થળે વારંવાર ગંદકી ફેલાવતી લારીઓ સામે વધુ કડક પગલાંરૂપે દંડ ફટકારી માલ-સામાન જપ્ત કરવા તેમજ જરૂરિયાત મુજબ લારીઓ હટાવી લેવાની કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.મહાનગરપાલિકાએ લારીધારકો અને વેપારીઓને સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સિંગલ યુ એક્સઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે. શહેરની સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ
*નવસારી મહાનગરપાલિકા*










