વાંસદાના સિણધઈમાં નકલી પ્લાનથી ૧૨૮ પ્લોટ વેચનાર સામે કલેક્ટરની લાલઆંખ: FIR દાખલ
૧૦૦ પ્લોટની મંજૂરી સામે ડુપ્લીકેટ પ્લાન રજૂ કરી છેતરપિંડી આચરનાર જમીન માલિક સામે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાયો
નવસારી: વાંસદા તાલુકાના સીણધઈ ગામે આવેલા જુના બ્લોક નં. ૨૬૯/૧ વાળી જમીનમાં મૂળ ૧૦૦ પ્લોટ માટે જ બિનખેતી અને બાંધકામની સરકારી મંજૂરી મેળવવામાં આવી હતી. આમ છતાં, જમીન માલિક ભાવિકભાઈ રવિભાઈ પટેલે સરકારી કચેરીમાં નગર નિયોજકશ્રીના મંજૂર થયેલા પ્લાનને બદલે ભળતો (ડુપ્લીકેટ) લે-આઉટ પ્લાન રજૂ કરી, ૭/૧૨ રેકોર્ડમાં ૧૨૮ પ્લોટ દાખલ કરાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી દીધું હતું. સોસાયટીના રહીશોની રજૂઆત બાદ નવસારી કલેક્ટરશ્રીની સુનાવણી દરમ્યાન ધ્યાને આવતાં, કલેક્ટરશ્રી દ્વારા એફ.આઈ.આર. દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલ. આ બાબતે આઈ.એલ.આર.શ્રી વાંસદા દ્વારા વાંસદા પોલીસ સ્ટેશન ખાતે શ્રી ભાવિકભાઈ રવિભાઈ પટેલ વિરુધ્ધ FIR દાખલ કરાવવામાં આવેલ છે.
આમ સરકારી રેકર્ડ સાથે ચેડાં અને સરકારી અધિકારીશ્રીઓને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસરનું કામ કરાવવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહી. જો આ પ્રકારની કોઇપણ ઘટના ધ્યાને આવશે તો તેઓની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.










