
હજી વિધિવત ઓપનિંગ પણ નથી થયું ત્યાં જ ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદમાં ટ્રેક ધસી પડ્યો: પાલિકાની કામગીરી સામે વિપક્ષમાં ભારે આક્રોશ શહેરમાં નવનિર્મિત રસ્તાઓની નબળી ગુણવત્તા બાદ હવે કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં પણ મોટો ભ્રષ્ટાચાર અને બેદરકારી સપાટી પર આવ્યા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ મેદાન ખાતે સ્પોર્ટ્સ પર્સન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સ્થાનિક ઉમેદવારો માટે રૂ. 4 કરોડના ખર્ચે એક અદ્યતન સિન્થેટિક રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે, આ ટ્રેકનું હજુ વિધિવત લોકાર્પણ થાય તે પહેલાં જ ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદમાં તેનો એક મોટો હિસ્સો દોઢેક ફૂટ જેટલો જમીનમાં બેસી ગયો છે. સ્પેશિયલાઈઝ્ડ કન્સલ્ટિંગ એજન્સીની દેખરેખ હેઠળ બનેલા આ પ્રોજેક્ટની આવી હાલત થતાં પાલિકાની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ ઘટનાને પગલે નવસારી પાલિકાના કોંગ્રેસી સભ્ય પ્રભાબેન વલસાડીયાએ શાસક પક્ષ ભાજપ અને ડબલ એન્જિન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જનતાના ટેક્સના પૈસા વેડફાતા હોવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે:લુંસીકુઈ મેદાન વર્ષો જૂનું છે, જે પારસી પરિવારોએ બાળકોને રમવા માટે દાનમાં આપ્યું હતું. આ મેદાનમાં પીચિંગ કરવાની અને સિન્થેટિક ટ્રેક પાછળ રૂ. 4 કરોડ ખર્ચવાની કોઈ જરૂર જ નહોતી, આ માત્ર કમિશનખોરીની પોલમપોલ છે.સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર ભુવાઓ પડી રહ્યા છે. સદનસીબે જ્યારે આ ગાબડું પડ્યું ત્યારે મેદાનમાં કોઈ હાજર નહોતું, બાકી અંદર માણસ ગરકાવ થઈ જાય તેટલો મોટો ખાડો પડ્યો છે. શું કોન્ટ્રાક્ટરો અને સરકારને જનતાના જીવ લેવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે?આટલી નબળી ગુણવત્તાનું કામ કરનારી એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરો સામે અન્ય મેટ્રો સિટીઝની જેમ નવસારી પાલિકા દ્વારા કોઈ કડક નોટિસ કે બ્લેકલિસ્ટ કરવાની તજવીજ કેમ શરૂ કરવામાં નથી આવી?
બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે નવસારીના મેયર અશોક ધોરાજીયાએ પાલિકાનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે:લુંસીકુઈ મેદાન એક નવું ડેવલપ થતું મેદાન છે અને રનિંગ વે માટે નીચે માટીનું પુરાણ થોડું વધારે કરવામાં આવ્યું છે.ચોમાસા દરમિયાન ક્યાંક માટી બેસશે તેની તંત્રને અગાઉથી જ જાણ હતી, અને આ જ કારણે ટ્રેક હજુ સુધી જનતા માટે બંધ રાખવામાં આવ્યો હતો.હાલ એક સાઈડથી દોઢેક ફૂટ જેટલો રનિંગ વે નીચે બેસી ગયો છે, જેને કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તાત્કાલિક સમથળ અને સરખો કરી દેવામાં આવશે.








