જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ કરાડી ગામની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું :
ગાંધી સ્મૃતિ મંદિર અને ગાંધી ઘાટ તળાવના વિકાસ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું:

ગાંધી સ્મૃતિ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આયોજન કરવા કલેક્ટરશ્રીનું સૂચન :

નવસારી : શુક્રવાર : નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જલાલપોર તાલુકાના કરાડી ગામની મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગ્રામ પંચાયત કચેરી, નવનિર્મિત ગાંધી સ્મૃતિ મંદિર તથા ગાંધી ઘાટ તળાવની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને વિકાસની સંભાવનાઓ અંગે જરૂરી માહિતી મેળવી હતી.

કલેક્ટરશ્રીએ સૌપ્રથમ કરાડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામમાં નાગરિકોને ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની પુરવઠાની દુકાન ઉપલબ્ધ છે કે કેમ તેમજ ગ્રામજનોને પુરવઠા સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે છે કે નહીં તે અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી વિગતો મેળવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ત્યારબાદ કલેક્ટરશ્રીએ કરાડી ગામ ખાતે નવનિર્મિત ગાંધી સ્મૃતિ મંદિરની મુલાકાત લઈ સમગ્ર સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. મંદિર ખાતે મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો તથા રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને લગતી માહિતી મેળવી સ્થળના સંચાલન અને વિકાસ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.


ગાંધી સ્મૃતિ મંદિર બાદ કલેક્ટરશ્રીએ ગાંધી ઘાટ તળાવનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તળાવની આસપાસ મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા, માર્ગ, વૃક્ષારોપણ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવા અંગે સૂચનો કર્યા હતા. ગાંધી સ્મૃતિ મંદિર અને ગાંધી ઘાટ તળાવના સુઆયોજિત વિકાસથી સમગ્ર વિસ્તારને વધુ આકર્ષક બનાવી શકાય તેમ જણાવી, ભવિષ્યમાં ગુજરાત ટુરિઝમના પર્યટન સ્થળોમાં તેનો સમાવેશ થઈ શકે તે દિશામાં જરૂરી આયોજન તથા દરખાસ્ત તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન નવસારી પ્રાંત અધિકારી શ્રીમતી તૃપ્તિ પટેલ, જલાલપોર મામલતદારશ્રી ઇસરાની સહિત સંબંધિત અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










