જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા રોડ સેફટી કમિટી તથા હાઈવે સેફટી કાઉન્સીલની બેઠકો યોજાઈ

નેશનલ હાઈવે-૪૮ તથા નેશનલ હાઇવે-૫૬ પરથી ૩૩૧ દબાણો દૂર કરાયા, બ્લેક સ્પોટ સુધારવા તાકીદ
નવસારી જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ નહિવત થાય અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી તથા જિલ્લા હાઈવે સેફટી કાઉન્સીલની બેઠકો યોજાઈ હતી.
જિલ્લા કલેકટરે નવસારી જિલ્લામાં ૧૯ બ્લેક સ્પોટના નિવારણ માટેના જરૂરી સુચનો કર્યા હતા. જેમાં ખાસ કરીને નેશનલ હાઇવે-૪૮ તથા ૫૬ પર સ્ટ્રીટલાઇટ મુકવા, હેઝાર્ડ બોર્ડ, ક્રેશ બેરીયર, બ્રિજ પર હાઈમાસ સહિતની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં આવેલી તમામ શાળાની બસોનું ઈન્સ્પેકશન કરવા શાળા સંચાલકો તથા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.

હાઈવે ઓથોરિટીના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે-૪૮ પરથી ૨૧૯ અને નેશનલ હાઇવે-૫૬ પરથી ૧૧૨ મળીને કુલ ૩૩૧ તથા પંચાયત હસ્તકના રસ્તા પરના ત્રણ જેટલા દબાણો દૂર કરી દેવાયાની વિગતો આપી હતી. જે બદલ કલેકટરશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આરટીઓ અધિકારી આકાશ પટેલે વિગતો આપતા કહ્યું હતું કે, ઓગષ્ટ મહિના દરમિયાન આર.ટી.ઓ દ્વારા જુદા જુદા ૪૩૦૩ કેસો કરીને રૂા.૬૫ લાખની વસુલાત તથા પોલીસ વિભાગ દ્વારા ૧૧૦૬૫ કેસો કરીને રૂા.૯.૫૩ લાખની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં થયેલા અકસ્માતોની વિગતો આપી હતી. આગામી તા.૨૪મીએ સેવા સંકલ્પ અભિયાન હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો આપી હતી.
આ અવસરે કલેક્ટરશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
બેઠકમાં નવસારી મ્યુ.કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એન.લિખિયા, આર.ટી.ઓ. અધિકારીશ્રી આકાશ પટેલ, માર્ગ અને મકાન, હાઈવે તથા માહિતીખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










