“સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન” અંતર્ગત નવસારીમાં માર્ગ સલામતી બાઈક રેલી યોજાઈ:
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોએ બાઈક રેલીમાં જોડાઈ માર્ગ સલામતીનો સંદેશો આપ્યો
આશરે ૨૦૦ બાઈક સવારો સાથે નગરજનોએ લીધો માર્ગ સલામતીના નિયમોના પાલનનો સંકલ્પ
“સુરક્ષિત સફર–સુરક્ષિત જીવન”ના સંદેશ સાથે યોજાઈ માર્ગ સલામતી રેલી :
“સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે સેવા મેરા યોગદાન થીમ પર નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ, આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી નવસારી શહેરમાં માર્ગ સલામતી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરટીઓ, મહાનગરપાલિકા, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર જોડાયા હતા.
માર્ગ સલામતી બાઈક રેલીને મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોએ સર્કિટ હાઉસ નવસારી ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં આશરે ૨૦૦ જેટલા બાઈક સવારો જોડાયા હતા. રેલી દરમિયાન માર્ગ સલામતીના નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, જવાબદારીપૂર્વક વાહન ચલાવવું તેમજ અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતી જાળવવા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક,ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, મહાનગરપાલિકાના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, , આર.ટી.ઓ. અધિકારી આકાશ પટેલ તેમજ અન્ય મહાનુભાવો, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રેલીના પ્રારંભ પ્રસંગે મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે ઉપસ્થિત સૌને શપથ લેવડાવ્યા હતા. સૌએ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટનો ઉપયોગ કરવા તથા માર્ગ સલામતી અંગે અન્ય લોકોને પણ જાગૃત કરવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.

સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરેલી બાઈક રેલી ઇટાળવા ત્રણ રસ્તા, છાપરા ચાર રસ્તા, ઉસ્માની સર્કલ, સિંધી કેમ્પ સહિતના માર્ગો પરથી પસાર થઈ લુન્સીકુઈ ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી. સમગ્ર માર્ગ પર નગરજનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રેલીમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરોની સક્રિય ભાગીદારી રહી હતી. જનજાગૃતિ રેલીને નગરજનોનો વ્યાપક પ્રતિસાદ મેળવ્યો હતો.
માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો અને ઝડપ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. આ બાઈક રેલી દ્વારા પણ નાગરિકોને *“માર્ગ સલામતી–સૌની જવાબદારી”*નો સંદેશ આપવામાં આવ્યો હતો.










