નવસારીમાં LCBની મોટી કાર્યવાહી: બોલેરો પિકઅપમાંથી 855 બોટલ દારૂ ઝડપાયો
નવસારી: ગણેશોત્સવ દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે નવસારી LCB પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે બોરીયાચ ગામ ટોલનાકા પાસે નાકાબંધી કરી મહિન્દ્રા બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હિસ્કી અને વોડકાની કુલ 855 બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, બોલેરો પિકઅપ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.9.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં દારૂની કિંમત રૂ.2.74 લાખ, બોલેરો પિકઅપની કિંમત રૂ.7 લાખ અને મોબાઇલ ફોનની કિંમત રૂ.5 હજાર
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ઈશારામ ઉર્ફે ઈશ્વર કારારામ ભીલને ઝડપી પાડવામાં આવ્યો છે. તે MH-41-AU-6459 નંબરની બોલેરો પિકઅપનો ચાલક હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ભરી આપનાર અને સુરતના પલસાણા સુધી પહોંચાડનાર તરીકે નરેશકુમાર ઉર્ફે રમેશ સરદારારામ પુરોહિતનું નામ સામે આવ્યું છે. જ્યારે વાહનના હાલના માલિક સહિત અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી LCB PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત સહિત LCBના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે કરી હતી.
પોલીસે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.










