
નવસારી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા માર્ગ સલામતી અને અકસ્માત નિવારણને ધ્યાનમાં રાખીને વિશેષ ચેકિંગ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન NH-48 પર આવેલા બોરીયાચ ટોલનાકા તેમજ NE-4 પર આવેલા ખારેલ ટોલનાકા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં ગેરકાયદેસર રીતે ઉભા રાખવામાં આવેલા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગ ઝોનમાં ઉભેલા ટ્રક અને અન્ય ભારે વાહનોને દૂર કરાવી તેમની સામે દંડાત્મક પગલાં લીધા હતા. કાર્યવાહી દરમિયાન કુલ ₹71 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત રાત્રિના સમયે માર્ગ પર ભારે વાહનો સ્પષ્ટ દેખાય અને અકસ્માતોની શક્યતા ઘટે તે માટે રેડિયમ પટ્ટી વિનાના ટ્રક અને અન્ય ભારે વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રક ચાલકોને માર્ગ સલામતી અંગે જાગૃતિ પણ આપવામાં આવી હતી.ટ્રાફિક પોલીસે ડ્રાઇવરો સાથે સંવાદ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા, નો-પાર્કિંગ ઝોનમાં વાહનો ન ઉભા રાખવા તેમજ સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા ટ્રાફિક શાખાએ જણાવ્યું છે કે માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવાં વિશેષ અભિયાનો આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.









