જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ જલાલપોર તાલુકાના દિપલા ગામે ગ્રામ પંચાયત, આરોગ્ય મંદિર, વાજબી ભાવની દુકાન, આંગણવાડી તથા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી
આંગણવાડીના બાળકોના આરોગ્ય-પોષણ તથા શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા માર્ગદર્શન આપ્યું
દિપલા ગામમાં પાણી, સ્વચ્છતા સહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી

જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જલાલપોર તાલુકાના દિપલા ગામની આકસ્મિક મુલાકાત લઈ ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ, પ્રાથમિક સુવિધાઓ તથા વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત દ્વારા સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ગ્રામજનોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી, સમયસર અને અસરકારક રીતે મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

કલેક્ટરશ્રીએ સૌપ્રથમ દિપલા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતની કામગીરી તથા ગામને લગતી વિવિધ વહીવટી બાબતો અંગે માહિતી મેળવી હતી. મંજુર થયેલી નવી ગ્રામ પંચાયત બાંધકામ વહેલાસર શરૂ કરવા અંગે જરૂરી સૂચના આપી હતી. ગ્રામજનોને જન્મ-મરણના દાખલા સમયસર મળી રહે તેમજ રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવામાં ન આવે તે અંગે પણ કડક સૂચના આપી હતી. ગ્રામજનોને મળતી વિવિધ સરકારી સેવાઓ તથા સ્થાનિક સ્તરે જરૂરી સુવિધાઓ અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગામમાં સગર્ભા બહેનોની સ્થિતિ, હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓની સંખ્યા તથા તેમની આરોગ્યલક્ષી સંભાળ અંગે પણ માહિતી મેળવી હતી. ગ્રામજનોએ સ્વચ્છતા અને પાણી સંબંધિત પ્રશ્નો રજૂ કરતાં કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના આપી હતી. તેમજ પાણી પુરવઠાની યોજનાઓનો ગ્રામજનોને પૂરતો લાભ મળે તે માટે યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીએ આરોગ્ય મંદિરની મુલાકાત લઈ ગામના લોકોને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવતી વિવિધ સેવાઓ, સગર્ભા મહિલાઓ તથા અન્ય લાભાર્થીઓને આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓ અંગે જરૂરી માહિતી મેળવી હતી. આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને સુલભ રીતે ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરશ્રીએ વાજબી ભાવની સરકાર માન્ય દુકાનની મુલાકાત લઈ લાભાર્થીઓને નિયમિત અને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો મળી રહ્યો છે કે નહીં તેની વિગતો મેળવી હતી. દુકાનની કામગીરી, અનાજના વિતરણ તથા લાભાર્થીઓને મળતી સુવિધાઓ અંગે સ્થળ પર માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગામમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોની સંખ્યા તેમજ બાળકોને આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને લાલ અને પીળા વર્ગમાં આવતા બાળકોની સંખ્યા અંગે વિગતો મેળવી આવા બાળકોના આરોગ્ય અને પોષણ પર વિશેષ ધ્યાન આપવા સંબંધિત કર્મચારીઓને સૂચના આપી હતી. બાળકોને નિયમિત પોષણયુક્ત આહાર મળી રહે તેમજ તેમના આરોગ્ય અને શારીરિક વિકાસની સતત દેખરેખ રાખવામાં આવે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરશ્રીએ મહાત્મા ગાંધી મંદિર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, શૈક્ષણિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓની હાજરી તથા ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જરૂરી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ તથા શાળાના આચાર્યશ્રીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરશ્રીની આ મુલાકાતનો મુખ્ય હેતુ ગામના સ્તરે સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો વાસ્તવિક લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે કે નહીં તેની સ્થળ પર સમીક્ષા કરવાનો તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાનો રહ્યો હતો. કલેક્ટરશ્રીએ અધિકારીઓને ગ્રામજનોની રજૂઆતોને પ્રાથમિકતા આપી સમયબદ્ધ રીતે પ્રશ્નોનું નિરાકરણ કરવા તથા સરકારી સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો લાવવા સૂચના આપી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીશ્રી તૃપ્તિ પટેલ, મામલતદારશ્રી ઇસરાની, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી, સરપંચશ્રી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, શાળાના આચાર્યશ્રી તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.










