નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાન ખાતે ચાલી રહેલી વિકાસ કામગીરી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. મેદાનની ફરતે આવેલા પાળા પર પાલિકા તંત્ર દ્વારા લોખંડની ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિકો અને સિનિયર સિટિઝન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે વિરોધ એટલો વધ્યો છે કે સત્તાધારી પક્ષના નગરસેવકે પણ વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે.

લુન્સીકુઈ ગ્રાઉન્ડની ફરતે આવેલો એક ફૂટ પહોળો પાળો વર્ષોથી નિવૃત્ત વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે સાંજના સમયે બેસવાનું હરવા-ફરવાનું મનપસંદ સ્થળ રહ્યું છે.

પાલિકાએ આ પાળાની બરાબર વચ્ચે લોખંડની ગ્રીલ ફિટ કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે હવે નાગરિકો માટે ત્યાં બેસવું તદ્દન અશક્ય બની ગયું છે.આ કામગીરીની જાણ થતાં જ શહેરના બુદ્ધિજીવીઓ, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિકો લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા. લોકભાવનાને ધ્યાને રાખીને વોર્ડ નંબર 13ના ભાજપના નગરસેવક વિજય રાઠોડ પણ આ વિરોધમાં જોડાયા હતા. તેમણે પાલિકાના વહીવટી તંત્રની આ કામગીરી સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને લોકહિતમાં આ કામ તાત્કાલિક અટકાવવા માટે મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.









